સીધી લીટીનો હતો છોકરડો

સીધી લીટીનો હતો છોકરડો સાવ,
હવે આખોને આખો બદલાઈ ગયો છે.
બે અણિયાળી આંખે નજરાઈ ગયો છે.

કાપે છે રોજ એક શેરીના ચક્કર ને ગમતીલી બારીને તાકે.
છોકરીની એક ઝલક જોવાને કાજ ધોમ ઉનાળે શેકાતો તાપે.
અંગે તો ઉઝરડો સ્હેજે ન ક્યાંય પણ ભીતરથી પુરો વીંધાઈ ગયો છે.
બે અણિયાળી આંખે નજરાઈ ગયો છે.

ચાર દી’એ પહેલાં તો કરતો શેવિંગ, હવે રોજ રોજ દાઢીને છોલે.
છોકરીને કહેવાની મોંઘેરી વાત, એ તો આયનામાં જોઈ જોઈ બોલે.
હૈયું અધીર, હોઠ આપે ના સાથ, એથી બિચારો મૂંઝાઈ ગયો છે.
બે અણિયાળી આંખે નજરાઈ ગયો છે.

ઉજ્જડ ઉદાસ રહે મૂંગો એ સાવ, તેનું વળગે ના ચિત્ત કોઈ કામે.
જાણે કે ભૂખ પ્યાસ નીંદર ને ચેન, લખી દીધા હો છોકરીના નામે.
આંસુ એકાંત પીડા શાયરીની સંગાથે કાયમનો નાતો બંધાઈ ગયો છે.
બે અણિયાળી આંખે નજરાઈ ગયો છે.

Kishor Barot

Kishor Barot is a Poet from Vadodara Gujarat. He is active in Gujarati poetry scene since many years. He is known for his books "આઠે પ્હોર આનંદ".