News

કચ્છની ૧૧ વર્ષીય દીકરી વાચા ઠક્કર એ ‘સનાતન વર્ડ સર્ચ’ સાથે કર્યું સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ

હાલમાં અંજાર કચ્છની દીકરી ૧૧ વર્ષીય બાળ લેખિકા વાચા ઠક્કર એ ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરી સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કર્યું. કોઈ લેખકે ભારતમાતાને કૃતિ સમર્પિત કરી લોકાર્પણ કર્યું હોય તેવું પહેલી વાર બન્યું છે. આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકાદાસજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું કે “સનાતન ધર્મ પર અંગ્રેજી ભાષામાં બાળ સાહિત્ય બને તે આજના સમયની માંગ છે, ત્યારે અંજારની દીકરી એ આ ક્ષેત્રમાં પહેલ કરી કચ્છને ગૌરવ અપાવ્યું છે.” તો વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે શુભેચ્છા આપતાં કહ્યું કે “એક બાળક દ્વારા બાળકો માટે સનાતન વિષય પર સર્જનાત્મક પુસ્તક બને એ વિશિષ્ટ ઉપલબ્ધિ છે અને પુરસ્કાર મેળવવા યોગ્ય છે. આ પુસ્તક અને લેખિકા અન્ય બાળકો અને યુવાન સર્જકો માટે પ્રેરણારૂપ બની રહશે.”

ભારત માતાને પુસ્તક અર્પિત કરતી લેખિકા વાચા ઠક્કર
પુસ્તક લોકાર્પણ માટે મહંત શ્રી ત્રિકમદાસજી એ આપ્યા આશીર્વાદ
શ્રી શંકરભાઈ સસદે એ આપી શુભકામના

ભારતીય સંસ્કૃતિ પર આધારિત રોચક પ્રવૃતિઓથી સભર આ પુસ્તકની બીજેપી ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી રત્નાકરજી, સંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ એ પણ પ્રશંસા કરી અને બાળ લેખિકાને શુભકામનાઓ આપી. પુસ્તક વિષે વાત કરતાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી લેખિકા વાચાએ કહ્યું કે “આ પુસ્તકમાં આપણી સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક ઇતિહાસને આધારિત કોયડાઓ છે. મોબાઈલ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં ખોવાઈ ગયેલ આજની પેઢીને આ પુસ્તક ફરી ભારતીય મૂલ્યો અને સાહિત્ય સર્જન તરફ લઈ જાય એ જ મારો ઉદેશ્ય છે. તેથી જ પુસ્તક અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ છે.” તો ગીતકાર-સંગીતકાર પિતા ડૉ. કૃપેશ ઠક્કર એ ઉમેર્યું કે “આ પુસ્તક ગિવ વાચા ફોઉન્ડેશનના ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ પ્રોજેક્ટને સમર્પિત છે. સંસ્થા દ્વારા પર્વ કી પાઠશાલા અંતર્ગત કચ્છની વિવિધ શાળાઓમાં પુસ્તક વિમોચનના કાર્યક્રમોનું આયોજન થશે, જેથી દરેક બાળક સુધી આ પુસ્તક થકી સંસ્કૃતિ અને સંસ્કારો પહોંચી શકે.” માતા ડૉ. પૂજા ઠક્કર એ ઉમેર્યું કે “બાળકો દેશનું ભવિષ્ય છે. જ્યારે કલા અને સાહિત્ય થકી વાચાએ સંસ્કૃતિ સંવર્ધનનું બીડું ઉપાડ્યું છે ત્યારે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું.”

બીજેપી ના અગ્રણીઓ સાથે: શ્રી વિનોદ ચાવડા, ડૉ. કૃપેશ, શ્રી રત્નાકર જી, પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પુજા ઠક્કર અને શ્રી દેવજીભાઈ વરચંદ (જમણે થી ડાબે)

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશિત કર્યાની સાથે જ વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા આ પુસ્તકની પાંચ સો જેટલી કોપીનું બુકિંગ થઈ ગયું છે અને બાળકોમાં તે લોકપ્રિય બન્યું છે.

To order the book, Contact: +91 92656 44011