ગૂંજે ગીતા થકી ક્લબફૂટ અવેરનેસ કરતો બાળકલાકાર પર્વ ઠક્કર
હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક અને ઇઝી આઈડી એ ત્રીસ દિવસીય ક્લબફૂટ અવેરનેસ મંથ પ્રોજેક્ટ થકી ગુજરાતના વિવિધ શહેરોમાં લોકજાગૃતિ માટેની પહેલ કરી છે ત્યારે વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિતે પ્રતિનિધી તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા.
આ પ્રોજેક્ટનો વૈશ્વિક એમ્બેસેડર પર્વ ઠક્કર ક્લબફૂટ નામની બીમારી સાથે જન્મ્યો. પરંતુ સમયસર સારવારથી તે એકદમ સ્વસ્થ થઈ ક્લબફૂટ વોરિયર બન્યો. એટલું જ નહિ પણ સંગીત અને કલા ક્ષેત્રે પ્રગતિ કરતા પર્વના ફક્ત છ વર્ષની વયે ૩૦ થી પણ વધુ ગીતો વિશ્વભરમાં લોન્ચ થયા, જે થકી તે વિશ્વનો યંગેસ્ટ સીંગર અને એક્ટર પણ બન્યો. વાચા ઠક્કર અને પર્વ ગીતાના શ્લોકો સંગીતબદ્ધ રીતે ગાય છે તેમજ વિવિધ તહેવારો પર તેના ભક્તિગીતોને લોકો ખૂબ પસંદ કરે છે. પર્વ અને તેનો પરિવાર પોતાના બેન્ડ સાથે ગૂંજે ગીતા શો કરે છે, આ કાર્યક્રમ થકી તેઓ સનાતન સંસ્કૃતિ અને ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વને લોકો સુધી પહોંચાડે છે. તેમજ પ્રોજેક્ટ ડીઝાઇનર ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા અસરગ્રસ્ત બાળકોના વાલીઓને માર્ગદર્શન આપી આ બીમારી અંગે પ્રચલિત ગેરમાન્યતાઓને દુર કરવામાં પોતાનું યોગદાન આપે છે. ગીતાને કેન્દ્રમાં રાખી સત્કર્મ કરવા આ બેન્ડના કલાકારો ગુજરાત યાત્રા માટે નીકળ્યા ત્યારે આશીર્વાદ લેવા શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા. તેમણે નવજાત બાળકોમાં જોવા મળતી આ ગંભીર બીમારી પ્રત્યે જાગૃકતા લાવતી આ સંસ્થા અને પરિવારને શુભકામનાઓ પાઠવી. આ પ્રોજેક્ટ સંદર્ભે પોતાના જાત અનુભવ વિષે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “ક્લબફૂટની પાંચ વર્ષ સુધી ચાલતી સારવારમાં બાળકને પીડામાંથી રાહત આપવા મ્યુઝીક થેરાપી રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. જે બાળકના સર્વાંગી વિકાસમાં પણ મદદ કરે છે જેનું પર્વ જીવંત ઉદાહરણ છે. હવે તેની આ સફળ યાત્રા થકી અમારું પરિવાર અને ગીવ વાચા ફાઉન્ડેશન વિશ્વભરમાં ક્લફૂટ અવેરનેસ કરતું રહેશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ફ્યુઝન બેન્ડ ગુજરાત ટુર બાદ વર્લ્ડ ટુરની તૈયારી કરી રહ્યું છે. સનાતન સંસ્કૃતિ અને ક્લબફૂટ અવેરનેસના પ્રચાર અને પ્રસારના ઉદેશ્ય સાથે તેણે ગૂંજે ગીતાને વિશ્વસ્તરે પહોંચાડવાની બાંહેધરી લીધી છે.
