6 વર્ષનો પર્વ ઠક્કર સંગીત થકી કરે છે ક્લબફૂટ અવેરનેસ
બાળક એ કોમળ ફૂલ સમાન છે. નાનું બાળક જાણે ભગવાનનું રૂપ છે. આખા ઘરને કિલ્લોલતું રાખતું એક બાળક જ હોય છે. બાળક જન્મે ત્યારે તેના માતા-પિતા અને પરિવારમાં ખુશીઓની છોળો રેલાય છે. બાળક સ્વસ્થપણે જન્મે તો માતા-પિતાને કાંઈ પણ ચિંતા હોતી નથી પરંતુ જો બાળકમાં કાંઈપણ જન્મજાત ખોટ અનુભવાય ત્યારે સૌથી વધુ ચિંતિત તેના માતા-પિતા થાય છે.
તો આજે વાત કરીએ આવા જ એક બાળક પર્વ ઠક્કર ની કે જે ક્લબફૂટ નામની બીમારી સાથે જન્મ્યો પરંતુ સચોટ સારવાર થકી તે ક્લબફૂટ વોરિયર તરીકે ઉભરી આવ્યો. હાલ જ્યારે ૩ જૂન વર્લ્ડ કલબફૂટ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ત્યારે આ નાનો બાળક ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના મિશન પર નીકળ્યું છે. આ બીમારી વિશે વાત કરીએ તો કલબફૂટ નવજાત શિશુમાં થતી પગની ખામી છે. આ બીમારી સાથે બાળક જન્મે ત્યારે તેના પગ અંદરની તરફ વળેલા હોય છે. જો સમયસર આવા બાળકની સારવારના કરવામાં આવે તો ખોડખાંપણ કાયમી રહી જાય છે. બાળક આખી જિંદગી સારી રીતે ચાલી શકતું નથી. દર વર્ષે વિશ્વમાં દોઢ થી બે લાખ ક્લબફૂટ ના કેસ નોંધાય છે ત્યારે આ વિશે જાગૃતિ લાવવી મહત્વની બને છે માટે 1 જૂન, ૨૦૧૭ થી ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા કલબફૂટ અવેરનેસ મંથ નામની પહેલની શરૂઆત કરવામાં આવી હતી જે આગળ જતાં ગ્લોબલ ક્લબફૂટ અવરનેસ પર્વના વૈશ્વિક પ્રોજેક્ટ તરીકે વિસ્તાર પામી.
આ પ્રોજેક્ટ અંતર્ગત અસરગ્રસ્ત બાળકોના માતા પિતાને આ બીમારી અંગે સચોટ માહિતી તથા સમયસર માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે જ ક્લબફૂટ વિશેની પ્રચલિત ગેરમાન્યતાઓને દુર કરવાના પ્રયાસો થાય છે. આ પ્રોજેક્ટના વૈશ્વિક પ્રતિનિધિ તરીકે વિશ્વનો યંગેસ્ટ સિંગર અને એક્ટર 6 વર્ષીય બાળ કલાકાર પર્વ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. તે પોતાના પર્વ ફયુઝન બેન્ડ સાથે વિવિધ સ્થળોએ ભક્તિ સંગીત તેમજ ગૂંજે ગીતાના કાર્યક્રમ કરી ક્લબફૂટ વિશેની જાગૃતિ ફેલાવે છે તેમજ ભગવદ્દ ગીતા અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે. તેના આ કાર્યમાં તેના પિતા ગીતકાર સંગીતકાર ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, માતા ડૉ. પૂજા ઠક્કર તેમજ બહેન વાચા ઠક્કર પણ પોતાની કલા થકી સહકાર આપે છે. અત્યાર સુધી તેના 30 થી પણ વધુ ગીતો કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ કંપની દ્રારા વિશ્વભરમાં લોંચ થયા અને આમ ક્લબફૂટ ધરાવતો આ કલાકાર વિશ્વનો યંગેસ્ટ સિંગર અને એક્ટર બન્યો છે.
સુંદર ચેહરો અને પડછંદ અવાજ! અપાર આત્મવિશ્વાસ ધરાવતો પર્વ ખૂબ જ એકટીવ,ચંચળ અને હોશિયાર બાળક છે. બધા જ બાળકની જેમ નોર્મલ રીતે સુંદર રીતે બધી જ પ્રવૃત્તિ કરી શકે છે. આ પ્રોજેક્ટનો ખાસ ઉદ્દેશ એ જ છે કે જો કોઈ બાળકને આ કલબફૂટની બીમારી થઈ હોય તો ગીવ વાચા ફાઉન્ડેશન માર્ગદર્શન આપે છે. ગુજરાતની જાણીતી મ્યુઝિક કંપની કૃપ મ્યુઝિક તેમજ ઈઝી આઈડી કંપની પોતાની ચેનલ વડે પ્રચાર પ્રસારમાં સહયોગ આપે છે. આ ઉપરાંત દર વર્ષે ૫ બાળકોની સારવાર કરવામાં પણ મદદ કરે છે.
આ વર્ષે પર્વ તેની યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ ચેનલ થકી ક્લબફૂટ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યો છે. ત્યારે આ કાર્યમાં સહભાગી બનવા સૌને આમંત્રિત કરે છે. તો, આપણે સૌ પણ તેના સોશિયલ એકાઉન્ટ ને ફોલો કરી જનજાગૃતિના આ અભિયાનમાં જોડાઈએ. ખરેખર, ધન્ય છે! ગીવ વાચા ફાઉન્ડેશનનું આ અભિયાન ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ…
બાળક કુમળું છોડ સમાન રે,
નીખરે સદા સ્નેહ થકી રે,
મળે પ્રેરણા ગીવ વાચાની રે,
માર્ગદર્શન, સારવાર થકી નીખરે રે.
Article Written By : Arti Paritosh Joshi – Bhuj Kutch

